October 12, 2006 – 3:22 pm
આજકાલ યુનિકોડ વિશે બહુ સંભળાય છે. યુનિકોડ ફોન્ટનાં નામની બુમો બધા ગુજરાતી બ્લોગ પર તમે સાંભળી જ હશે. ખાસ કરીને તમે જો જુની પુરાણી વિન્ડોઝ ૯૮ સિસ્ટમ ધરાવતા હોવ તો, તમે મુશ્કેલી તો અનુભવી જ હશે.
યુનિકોડ એટલે યુનિવર્સલ કોડ. ISO ની જેમ યુનિકોડ એક સ્ટાન્ડર્ડ છે. અને આ સ્ટાન્ડર્ડ છે - કમ્પ્યુટરમાં વપરાતાં ફોન્ટસ માટે. હવે, પહેલાં એવું થતું કે દરેક કંપની અને સ્વત્રંત રીતે સોફ્ટવેર ડેવલપર પોતાની રીતે ફોન્ટસ બનાવતાં અને પોતાની અનુકુળતા મુજબ અંગ્રેજી કી-બોર્ડ પર પોતાની ભાષાનાં અક્ષરોનું મેપિંગ કરતાં. થોડા સમય પછી એવું થયું કે ઘણાં બધા કી-બોર્ડ લેઆઉટ (દા.ત. ટાઇપરાઇટર, ઇન્સ્ક્રિપ્ટ..) અને ફોન્ટસ નીકળ્યા. દરેક ફોન્ટને પોતાનું અલગ કી-બોર્ડ લેઆઉટ હતું. અને છેવટે કમ્પ્યુટર પર ગુજરાતી શીખવા માંગતાં, મારાં તમારાં જેવા સામાન્ય વ્યક્તિઓને બહુ લોચા થવા લાગ્યા.
છેવટે, નક્કી થયું કે એક ચોક્કસ સ્ટાન્ડર્ડ બનાવવાનું. આ મુજબ દરેક ભાષાને ચોક્કસ મર્યાદા સુધીનાં આંકડાઓ ફાળવી દેવામાં આવ્યા. દા.ત. ગુજરાતીનાં ભાગે 0A81 થી 0AF1 સુધીનાં આવ્યા. તમને થશે - આ F વચ્ચે ક્યાંથી આવ્યો? આ હેક્સાડેસિમલ નંબર છે અને આપણે તેની માથાકૂટમાં અત્યારે નહી ઉતરીએ!
આ આંકડાઓ નક્કી થઇ ગયા પછી તેમાં કોઇપણ ફોન્ટ જો યુનિકોડમાં બનાવો તો ફેરફાર થતો નથી. દરેક ફોન્ટ માટે તે સમાન રહે છે. અને વળી નવું કી-બોર્ડ લેઆઉટ બનાવવું હોય તો તમારે માત્ર આ આંકડાઓ જ આપવાનાં રહે છે. એટલે જ એક જ ફોન્ટમાં તમે વિવિધ કી-બોર્ડ લેઆઉટ વાપરી શકો છો. છે ને મજા? માઇક્રોસોફ્ટનાં શ્રુતિ (વિન્ડોઝ xp જોડે આવે છે) અને એરિયલ યુનિકોડ (જે ફ્રી નથી) યુનિકોડ ફોન્ટ છે. ઉત્કર્ષ ટીમનાં યુનિકોડ ફોન્ટ આકાર અને રેખા છે. બીજાં ઘણાં બધા યુનિકોડ ફોન્ટસ મળે છે. વિન્ડોઝ ૨૦૦૦ પછીની અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમસ યુનિકોડને પૂરો આધાર આપે છે.
તો લખો તમારી એક કોમેન્ટ નીચે - યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં!
Posted in ગુજરાતી, યુનિકોડ | 6 Comments »