અલ્લાહ ! -અમૃતા પ્રીતમ

May 3, 2008 – 8:27 am

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે તારી જગા એ જીભ પર
હવે એનું નામ આવ્યું છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા તમામને
ખુદાની એક સલામ આવી છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઈશ્કનો આરોપ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે.

-અમૃતા પ્રીતમ

અકબંધ

April 20, 2008 – 9:41 pm

એક મોતી છીપલીમાં બંધ છે,
આપણો સંબંધ પણ અકબંધ છે.

આંખ કાયમ હોય છે સચ્ચાઈને,
ને બધાં સપનાં સદાયે અંધ છે.

દોડ, જલ્દી દોડ, ઓ ઇચ્છાહરણ
એ જ પરિચિત સાંજની મધુગંધ છે.

હું ગઈ વરસો પછી એને નગર
ને નિહાળ્યું, દ્વાર બંને બંધ છે.

હો અજાણ્યાં તોય લાગે આપણાં,
જન્મનાં કેવાં ઋણાનુબંધ છે.

આપ જેને ડાળ માની ઝૂલતાં
વૃક્ષનાં ઝૂકી ગયેલાં સ્કંધ છે.

- પુષ્પા પારેખ (મહેતા)

ગઝલ - ડૉ. મુકુલ ચોકસી

March 6, 2008 – 5:02 pm

આ જે પ્રાસાનુપ્રાસ છે અહીંયા,
શબ્દના કારાવાસ છે અહીંયા.

હોઠ, હૈયાં, દિલો-દિમાગ નથી,
કામના બસ લિબાસ છે અહીંયા.

જે નથી તે અહીં કદી ય નથી,
જે છે તે બારેમાસ છે અહીંયા.

એટલે આવ્યો છું આ મહેફિલમાં
ચંદ ચહેરાઓ ખાસ છે અહીંયા.

માણસોની તો વાત શી કરવી?
દેવો દાનવના દાસ છે અહીંયા.

જે લૂંટાઈ જવાથી ઑર વધે,
એક એવો ગરાસ છે અહીંયા.

કો’ક દહાડો તો એવું લાગે છે,
ખેલ સઘળાં ખલાસ છે અહીંયા.

- ડૉ. મુકુલ ચોકસી

રાત્રિનો પરિચય છે.

February 14, 2008 – 5:06 pm

હું એક એવો છું જેને રાત્રિનો પરિચય છે.
હું બહાર ગયો છું વરસાદમાં-અને વરસાદમાં પાછો ફર્યો છું.
શહેરના સૌથી દૂરના દીવાથીય આગળ ચાલ્યો છું.

શહેરની સૌથી ગમગીન ગલીમાં મેં નજર નાખી છે.
હું પસાર થયો છું ચોકીદારની રોનની નજીકથી
અને મેં આંખો નીચી ઢાળી છે, કશી સમજૂતી આપવાની અનિચ્છાથી.

હું સ્થિર ઊભો રહી ગયો છું અને પગલાંનો અવાજ થંભાવ્યો છે
જ્યારે દૂરથી કોઈ અતૂટ ચીસ
અન્ય શેરીમાંથી મકાનો ઓળંગતી આવી હતી,

પરંતુ મને પાછો બોલાવવા માટે નહીં કે શુભ વિદાય કહેવા નહીં.
અને એથી પણ વધારામાં અલૌકિક ઊંચાઈએ
એક ચળકતું ઘડિયાળ આકાશમાં

ઘોષણા કરતું હતું સમય નથી ખોટો કે નથી સાચો.
હું એક એવો છું જેને રાત્રિનો પરિચય છે.

- રૉબર્ટ ફ્રોસ્ટ
અનુવાદ: કૃષ્ણાદિત્ય

વિપર્યય - વિપીન પરીખ

November 26, 2007 – 1:29 pm

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે :
‘આ પુત્ર મને સાચવશે ખરો?’
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.
આ એ જ મા, જેણે મને ફલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ અધ્ધર ટિંગાઈ રહેતી,
હું મોટો થઈને ટટાર ઊભો રહ્યો ત્યાં સુધી.
આ એ જ મા -

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી.
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીંને જાગી ઊઠે છે
પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે.
કે દીકરાનો હાથ એને દગો દેશે તો?
હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો
ફક્ત મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે.

- વિપીન પરીખ

શબ્દ

November 12, 2007 – 10:08 am

શબ્દોથી જ પેટે છે ઘરબાર, દેશ
અને માણસો પણ.

શબ્દો બુઝાવે છે આગ પણ
શબ્દોથી પેટેલા માણસોની.

શબ્દો ન હોત તો ઊડ્યા ન હોત
આંખમાંથી આગના તણખા
વહ્યાં ન હોત આંસુનાં મહાપૂર.

આવ્યું ન હોત પાસે કોઈ
ગયું ન હોત દૂર -
શબ્દો ન હોત તો.

- વામન નિંબાળકર
અનુવાદ - દિનેશ દલાલ

હું તો - નીલિમા પોવળે

November 2, 2007 – 11:33 am

તો એ પછી
ફરીથી
હું આવીશ બધી રેખાઓમાં ભરાઈને
જાણે કે ખૂબ મોટું ખેતર પાક્યું હોય એમ
પીળાધમ્મક પોષાકમાં
જંગલી ફૂલોના
પોષની વાંકી ઠંડીમાં
તું હશે રેખા રેખા વંકાવતી
હું તો ઈન બિટ્વીન ધ લાઈન્સ.

- નીલિમા પોવળે
અનુવાદ- રાજેશ મેસ્વાણી

પ્રતીક્ષા - શ્રીધર શનવારે

October 30, 2007 – 3:25 pm

સત્ય મને જુદું મળે છે,
શબ્દ મને જુદો મળે છે

અને હું રાતદિવસ પ્રતીક્ષા કરું છું
કે એ બંનેય
મને એક સાથે ક્યારે મળે!

- શ્રીધર શનવારે
અનુવાદ- સુધીર ઠક્કર

આવતી કાલ માટે

October 24, 2007 – 1:38 pm

કહીને સમજવા જેવું હતું ,
મેં સમજાવ્યું નહીં
માગીને મળવા જોગ હતું ,
તે પણ લીધું નહીં.

આથમતા દિવસને મેં
એક એક સૂર્ય અર્પણ કર્યો,
એટલા માટે, કે ફરી દિવસ ઊગવાનો જ છે,
તો આવતી કાલ માટે જીવવું.

રોજ સવારે નવું બી વાવવાનો નિશ્ચય કર્યો,
નિશ્ચયમાંથી ડગ્યો નહીં
આવતી કાલ માટે જીવ્યો, તો પણ
ગઈ કાલનો દિવસ મર્યો નહીં.

- શરદ સાટમ

અનુવાદ - જયા મહેતા

જીવવાના ઓરતાનું….

October 20, 2007 – 6:02 pm

શ્વાસને અજવાળવાનું એક કારણ તું જ છે
જીવવાનાઓરતાનું એક કારણ તું જ છે

કોઈ ઢળતી સાંજનો સૂરજ ભલે થીજી ગયો
રાત ટહુકો થઈ ખર્યાનું એક કારણ તું જ છે

કયાંક પડઘા યે નથી પડતા હજી સંબંધના
મૌન વૈભવ વિસર્યાનું એક કારણ તું જ છે

થાય શંકાઓ ઘણીયે રામ ને શબરી વિષે
તોય શ્રધ્ધા વાવવાનું એક કારણ તું જ છે

પ્રેમના સંભારણાં તો ઓગળી ગ્યાં ક્યારના
થીજતી સંવેદનાનું એક કારણ તું જ છે

જિંદગી શણગારવાની મેં કરી’તી જીદ ત્યાં
આયના મલકી ઊઠયાનું એક કારણ તું જ છે

રોજ ખરતા પોપડાઓ કાળના એ ભીંતથી
હાંફતી ક્ષણ ઝીલવાનું એક કારણ તું જ છે

- પ્રતિમા પંડયા